શનિવાર, 26 જાન્યુઆરી, 2013

સત્યના પ્રયોગો

“સત્યના પ્રયોગો”—– ગાંધીજી દક્ષિણ આફ્રિકા જતા માર્ગમાં અને દક્ષિણ આફ્રિકામાં—–લેખાંક ( 6 ) B

26-1-2013


સત્યના પ્રયોગો”—– ગાંધીજી દક્ષિણ આફ્રિકા જતા માર્ગમાં અને દક્ષિણ આફ્રિકામાં—–લેખાંક ( 6 ) B
પ્રથમ બંદર લામુ લગભગ તેર દિવસે આવ્યું, જ્યાં સ્ટીમર ત્રણ –ચાર કલાક રોકાવાની હતી. લામુથી મોમ્બાસા અને ત્યાંથી ઝાંઝીબાર પહોંચ્યા. ઝાંઝીબારમાં આઠ-દ્સ દિવસ રોકાવાનું હતું. નવી સ્ટીમરમાં જવાનું હતું. કપ્તાનનો પ્રેમ સાંપડેલો જેથી સાહેબે ગાંધીજીને ફરવા સાથે લીધા. એક અંગ્રેજ મિત્ર પણ હતો. ત્રણેય જણ મછવામાં ઉતર્યા. હબસી ઓરતોના વાડામાં પહોંચ્યા. એક દલાલ ત્યાં લઈ ગયેલો. એક રૂમમાં પૂરાયા. ગાંધીજી શરમના માર્યા રૂમમાં પૂરાઈ રહ્યા. કપ્તાને બૂમ પાડી. જેવા અંદર દાખલ થયેલા તેવા જ બહાર નીક્ળ્યા. કપ્તાન ભોળપણ સમજ્યા. ભોંઠપ અનુભવી, પણ આ કાર્ય પસંદ કરી શકાય તેમ ના હોય, તેથી બાઈ તરત જ જતી રહી. ઈશ્વરનો પાડ માન્યો. પેલી બહેનને જોઈ કોઈ વિકાર પેદા ન થવા છતાં પોતાની નબળાઈ તરફ તિરસ્કાર ઉપજ્યો. તેમ છતાં ગાંધીજી લખે છે કે, “ મારું બચવું પુરૂષાર્થને આભારી નહોતું. જો મેં રૂમમાં પુરાવાની ચોખ્ખી ના પાડી હોત તો તે પુરૂષાર્થ ગણાત. મારા બચવાને સારું મારે તો પાડ કેવળ ઈશ્વરનો જ માનવાનો રહ્યો છે.પણ આ કિસ્સ્સાથી માત્ર ઈશ્વર ઉપરની આસ્થા વધી ને ખોટી શરમ છોડવાની હિંમત પણ કંઈક શીખ્યો.”
( અત્રે પોતાના સ્ખલન/દોષ વિષે બે ધડક “ સત્યના પ્રયોગો ” માં સ્વીકાર કરનાર મો.ક.ગાંધી આ સમયે “ મહાત્મા” નું બિરૂદ મેળવી ચૂકયા હતા તેમ છતાં પોતાનો દોષ સ્વીકારી અત્યંત નિખલાસતાથી કબુલાત કરી બચી જવા માટે ઈશ્વરનો પાડ માને છે, હવે સમાજનો ભય તેમને સતાવતો નથી અને નૈતિક રીતે જે ખોટું છે તેનો જાહેરમાં સ્વીકાર કરે છે. અને ભૂલ તો થાય, ભૂલ થઈ તે ભલે થઈ, પણ હવે ક્યારેય ભૂલ નહિ કરૂં તેવી સજાગતા જ વ્યક્તિંને તેજસ્વી બનાવે છે. જ્યારે આ સામે સમાજમાં રહેલા મોટાભાગના સાધુઓ-સંતો-સ્વામીઓ-મહંતો-ગુરૂઓ-બાવાઓ-મૌલવીઓ-પાદરીઓ-નેતાઓ વગેરે ગાંધીજીએ કરેલી ભૂલ કરતાં પણ અનેક ગણી ચડીયાતી ભૂલો કરતા હોવા છતાં અને કર્યા પછી પકડાઈ જતા હોવા છતાં ભૂલની કબૂલાત કે સ્વીકાર કરતા મળવા દુર્લભ છે, અરે ! આવા દંભીઓ અન્ય વ્યકતિ ઉપર દોષારોપણ કરતા જોવા મળતા હોય છે. પોતાની ભૂલનો ખુલ્લં ખુલ્લા નિખાલસતા પૂર્વક સ્વીકાર કરનાર મો.ક.ગાંધી ખરા અર્થમાં “ મહાત્મા” કહેવાયા છે તેમ મારું દ્ર્ધ માનવું છે. )
ગાંધીજી આગળ લખે છે કે,” નાતાલનું બંદર ડરબન કહેવાય છે અને નાતાલ બંદરને નામે પણ ઓળખાય છે. સ્ટીમરમાંથી ઉતરતા જ હિંદીઓને બહુ માનથી જોવાતા ના હોવાનૂં અનુભવ્યું. એક પ્રકારની તોછડાઈ જોઈ શકાતી હતી. અને જે ડંખતી હતી. મને લેવા અબ્દુલ્લા શેઠ આવેલા, મને ઘેર લઈ ગયા અને પોતાની બાજુની જ રૂમ મને આપી.”
અબ્દુલ્લાશેઠ્નું અક્ષર જ્ઞાન ઘણૂં ઓછું હતું પણ અનુભવ પુષ્કળ હતો. બુધ્ધિ તીવ્ર હતી અને તે માટે પોતે સભાન હતા. હિંદીઓમાં તેમનું માન ખૂબ હતું. તેમની પેઢી બધી હિંદી પેઢીઓમાં મોટી હતી. પ્રકૃતિ વહેમી હતી. તેમને ઈસ્લામનું અભિમાન હતું. તેમના સહવાસથી ઈસ્લામનું વ્યવહારિક જ્ઞાન ઠીક ઠીક મળ્યું.
બીજે-ત્રીજે દિવસે કોર્ટ જોવા ગયા. કેટલીક ઓળખાણો કરી. પોતાના વકિલ પાસે બેસાડ્યા. મેજીસ્ટ્રેટ સામું જોયા કરતા હતા અને આખરે પાઘડી ઉતારવાનું કહ્યું.” ગાંધીજીએ પાઘડી ઉતારવાની ના કહી કોર્ટ છોડી. અને આમ અહિ પણ લડાઈ શરૂ થઈ.
શેઠની સુચના મુજબ ગાંધીજી ટ્રેનના પ્રથમ વર્ગમાં પ્રિટોરીયા જવા રવાના થયા અને રસ્તામાં મોરિત્સબર્ગ રેલ્વે સ્ટેશને ચામડીના રંગને કારણે પ્રથમ વર્ગની ટિકિટ હોવા છતાં ધરારથી બળજબરી પૂર્વક બહાર ફેંકી દેવાયેલા અને રાત્રિમાં રેલ્વે સ્ટેશને જ ઠંડીમાં ઠુઠવાતા બેસી રહ્યા અને દેશમાં પરત ફરવાનો વિચાર આવતા, માહ્યલાનો જવાબ મળ્યો કે, ઘરે પાછા જતા રહેવું તે કાયરતા ગણાય અને કાયરતા અસ્વીકાર્ય હતી. દક્ષિણ આફ્રીકામાં જ રહેવું અને આવી નીતિઓનો મક્ક્મતા પૂર્વક સામનો કરવા નિર્ધાર કર્યો. જે અધિકારીએ ટ્રેન બહાર ફેંકી દીધેલા તેની સામે ફરિયાદ પણ નહિ કરવા નક્કી કર્યું કારણ ગાંધીજી એ વિચાર્યું કે લાંબા સમય થયા ચાલી આવતી રંગભેદની પ્રથાનું આ પરિણામ હતું. આથી વેર ભાવે વ્યક્તિ સામે બદલો લેવાની ભાવના વ્યાજબી ના ગણાય.
બીજે દિવસે આથી પણ ખરાબ અનુભવ જહોનિસબર્ગ જતા ઘોડાના સીગરામમાં બેઠક અર્થાત બેસવાની જગ્યા સંબંધે એક ગોરાના તુમાખીભર્યા વર્તને કરાવ્યો તેમ છતાં તેના શરણે નહિ જતા પ્રતિકાર કર્યો અને પેલાએ મારપીટ કરી, માર સહન કર્યો પરંતુ પોતાની જગ્યા પરથી જરાય ના ચસ્કયા.
આખરે મો.ક.ગાંધી પ્રિટોરીયા પહોંચ્યા. પરંતુ અબ્દુલાશેઠ્ના વકિલ કે અન્ય કોઈ લેવા માટે પ્રિટોરીયાના રેલ્વે સ્ટેશને આવેલ નહિ હતું. ગાધીજી થોડી મુંઝ્વણ સાથે સ્ટેશન ઉપર ઉભા રહ્યા. ત્યાં એક હબસી અમેરિકને અજાણ્યા જોઈ પોતાની સાથે આવે તો નાનકડી હોટેલમાં લઈ જવા કહેતા, ગાંધીજી તૈયાર થયા. હોટેલ માલિકે એક રાત રાખવા તૈયારી બતાવી પણ જમવા માટે રૂમમાં જ જમવું પડશે તેવી શરત રાખી, કારણ કે આ હોટેલમાં મોટાભાગના જમનારા ગોરાઓ આવતા હતા અને તેઓ સર્વે રંગભેદ વિષે અત્યંત સભાન હતા
બીજે દિવસે ડબલ્યુ બેકર નામના વકિલને મળ્યા અને અઠવાડિયાના 35 શિલિંગથી એક રૂમ ભાડે અપાવ્યો. મી. બેકર વકિલ તેમજ ધર્મચુસ્ત પાદરી હતા અને ઈશુને જ ઈશ્વરના એક માત્ર પૂત્ર તરીકે સ્વીકારતા જ પરમ શાંતિ પ્રાપ્ત થાય છે તેવું પ્રતિપ્રાદન કરતા રહેતા. ગાંધીજીએ તેમની સમક્ષ કબુલ્યું કે હિંદુ હોવા છતાં એ ધર્મનું બહુ જ્ઞાન નથી. બીજા ધર્મોનું ઓછું જ્ઞાન હોઈ તે જાણ્ર્રી મી.બેકરે ગાંધીજીને ખ્રિસ્તી ધર્મ વિષે વાંચવા પુસ્તકો આપ્યા. ચર્ચમાં પણ લઈ ગયા. જ્યાં મી.કોટસ સાથે પરિચય થયો અને પુષ્કળ પુસ્તકો પણ આપ્યા.
ગાંધીજીનું મનોમથંન શરૂ થયું. ખ્રિષ્તી ધર્મ વિષે, તેના સ્વરૂપ વિષે જાણવું અને સાથોસાથ હિંદુ ધર્મનું સાહિત્ય મેળવી તેનો પણ અભ્યાસ કરવાનૂં ઠરાવ્યું.
મી. કોટસે આપેલા એક પુસ્તકમાં ઈશુના અવતાર કે જે વાત મનુષ્ય અને ઈશ્વર વચ્ચે સંધિ કરનાર હોય વિષે હતી તેનાથી ગાંધીજી પ્રભાવિત નહિ થતા મી. કોટસે ગાંધીજીની ગળામાં પહેરેલી કંઠી વિષે કહ્યું “ આ વહેમ તારા જેવાને ન શોભે, લાવ તે તોડું “ જવાબમાં ગાંધીજીએ કહ્યું, “ એ કદિ ન તૂટે, માતુશ્રીની પ્રસાદી છે.” “ પણ તમે તેમાં માનો છો ? “ “ ગુઢાર્થ હું જાણતો નથી. એ ન પહેરું તો મારું અનિષ્ટ થાય એવું મને નથી લાગતું. પણ જે માળા મને માતુશ્રીએ પ્રેમપૂર્વક પહેરાવી, જે પહેરાવવામાં તેણે મારું શ્રેય જોયું, તેનો વિના કારણ હું ત્યાગ નહિ કરું……. આ કંઠી ન તૂટે.”
ખ્રિષ્તી ધર્મ વિષે અનેક લલચામણી વાતો કરી અને સમજાવવા કોશિશ કરતા રહ્યા જેમાં અમો ( ખિષ્તીઓ ) પાપ કરે તો તે પણ ઈશુ ઉપર ઢોળી દેતા તે માત્ર ઈશ્વરનો એક માત્ર નિષ્પાપ પૂત્ર હોઈ, જેઓ તેને માને તેના પાપ તે ધુએ છે. ઈશુની આ યોજનાને ખિષ્તીઓએ સ્વીકાર કર્યો હોઈ –તેમના પાપ તેમને વળગતા નથી. જ્યારે તમારા( હિંદુ) ધર્મમાં પાપ કરો તો પાપ કરનારે પ્રાયશ્ચિત અને પશ્ચાતાપ વગેરે જેવા કર્મકાંડ કરવા છતાં ક્યારે ય મુક્તિ ના મળે-શાંતિ પણ ના મળે વગેરે.
આ દલીલના સંદર્ભમાં ગાંધીજીએ ગૌરવ પૂર્વક કહ્યું કે “ જો સર્વ માન્ય ખિસ્તી ધર્મ આ હોય તો તે મારે ન ખપે. હું પાપના પરિણામમાંથી મુક્તિ નથી માગતો, હું તો પાપવૃતિમાંથી, પાપી કર્મમાંથી મુક્તિ માંગુ છું, તે ન મળે ત્યાં લગી મારી અશાંતિ મને પ્રિય રહેશે “
( આમ એક પછી એક ઉપરા છાપરી અપમાન-અવહેલના થતા રહ્યા જેમ કે ( 1 ) મુંબઈમાં વિદેશ જવા માટે મોઢ વણીક જ્ઞાતિએ નાત બહાર કર્યા ( 2 ) દક્ષિણ આફ્રિકાની કોર્ટમાં પાઘડી ઉતારવા કહેવા છતાં ધરાર ઈન્કાર કરી કોર્ટ છોડી ( 3 ) પ્રથમવર્ગની ટિકીટ હોવા છતાં ધરાર બહાર ફેંકી દેવાયા ( 4 ) સીગરામમાં બેઠક માટે ગોરા દ્વારા મારપીટ સહન કરી.( 5 ) પ્રિટોરીયામાં ઉતરતા જ રંગભેદની નીતિનો અનુભવ થયો. આ તમામ પ્રસંગોએ ગાંધીજીના રંગભેદની નીતિ સામે લડવાનો નિર્ણય વધુ અને વધુ મક્ક્મ બનાવ્યો. આ તમામ બનાવો ગાંધીજીના જીવનનું વળાંક બિંદુ બની રહ્યું. આ પ્રસંગોથી થોડા બીકણ પ્રકૃતિના, ઓછું બોલનારા અને શરમાળ મો.ક. ગાંધીને અન્યાયનો પ્રતિકાર કરનાર મક્ક્મ યુગ-પુરૂષ તરીકે જાણે રૂપાંતરીત કર્યા તેવું જણાય છે. જાણે આવનારા સમયમાં નાની એવી ચિનગારી મશાલ બનવા પગરણ ના માંડી રહી હોય ! )
by:- Parmar Girish

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

http://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.comhttp://www.picdesi.com